સાચો ધર્મ શું હોય છે?
પ્રશ્ન 20: સાચો ધર્મ શું હોય છે?
સ્વામીજી : સાચો ધર્મ માનવધર્મ છે, જે મનુષ્યના રૂપમાં આપની સાથે જન્મ્યો છે. બાકી બધા ધર્મ બહારના ધર્મ કહેવાય છે. સાચો ધર્મ આપને સારા કે ખરાબનું જ્ઞાન કરાવે છે. જયારે આપની કુંડલિની જાગૃત થાય છે, આપ મેડીટેશન કરો છો, ત્યારે આપનો સાચો ધર્મ જાગૃત થાય છે. શું સાચું છે શું ખોટું, તે અંદરથી જાણ થવાની શરૂ થઈ જાય છે. જેમ એક ફાનસના કાચ ઉપર લીલા, કાળા, પીળા ઘણા બધા ડાઘ પડેલા હોય પરંતુ તે બધા ડાઘ નથી દેખાતા પરંતુ જ્યારે તેને સળગાવવામાં આવે છે, ત્યારે તુરત જ બધા ડાઘ દેખાવા લાગે છે. બરાબર તે જ રીતે, જ્યારે આપની જાગૃતિ થાય છે ત્યારે આપોઆપ અંદરથી જ આપને ખબર પડવા લાગે છે કે શું સારું છે અને આપમાં શું દોષ છે. જેમ કે એક રૂમમાં અંધારું હોય અને આપ સાપને દોરડું માનીને બેઠા હો. આપને સાપનું જ્ઞાન નથી પરંતુ બહારથી જે જોઈ રહ્યા છે, તેમને ખબર પડી જાય છે. તે આપને સાપ છોડવા માટે ગમે તેટલું કહે પરંતુ આપ તેને છોડશો નહીં કારણ કે આપની ધારણા છે કે તે દોરડું છે. પરંતુ જેવા તે રૂમમાં આવીને લાઈટ કરશે, આપ તરત જ એક ક્ષણનો વિલંબ કર્યા વગર તેને છોડી દેશો, કારણ હવે આપને અંદરથી જ્ઞાન થઈ ગયું છે. હવે કોઈએ કહેવાની પણ જરૂર નથી. બરાબર તે જ રીતે, આપ કોઈને સમજાવો કે દારૂ પીવો ખરાબ વાત છે, બીડી પીવી ખરાબ વાત છે, તો તે નહિ માને. ઉપરથી આપને કહેશે કે તેને પીવામાં મજા આવે છે, તમે પણ પીઓ. પરંતુ જ્યારે તેનામાં સાચો ધર્મ જાગૃત થાય છે, ત્યારે તે પોતે જ જાણી જાય છે અને તેનો આંતરિક ધર્મ (આત્મધર્મ) તેને ખરાબ વસ્તુઓથી દૂર કરે છે. ત્યારે તેને કહેવું નથી પડતું કે આ બધું છોડી દો. તે પોતે જ છોડી દેશે.
જેમ એક આંબાનો બગીચો હોય અને તેમાં આપ કેરીનું ગોટલું વાવશો તો આંબાનું ઝાડ જ થશે, ત્યાં બાવળ નહીં થાય. તે જ રીતે જેમની કુંડલિની જાગૃત હોય અને તે મેડીટેશન કરતા હોય તો તેમને આપ મેળે જ ખબર પડશે કે શું સારું છે અને શું ખરાબ છે, તે અયોગ્ય બાબતો પોતાની જાતે જ છોડી દેશે. ફક્ત ધીરજપૂર્વક કામ લેવાની આવશ્યક્તા છે.
ચૈતન્ય ધારા, પાનાં નં.-16-17.
Comments
Post a Comment